Friday, April 25, 2014

બાળક...


બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.

પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ?

આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :

[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.

[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.

[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.

[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.

[5] બાળકને વિચારવાનો સમય આપો : બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.

[6] ઘર્ષણ ટાળો : બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’

[7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો : બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.

[8] તમારા જૂના દિવસોને યાદ કરો : તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.

[9] પોતાની જાત માટે થોડો સમય કાઢો : જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે

No comments:

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...