Friday, February 14, 2014

આજના તરુણોની દુનિયા

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

સોક્રેટિસે આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં લખેલું, 'આજના જુવાનિયાઓ કેવળ મજા જ કરી જાણે છે. એમની વર્તણૂકનાં ઠેકાણાં નથી હોતાં. એ મોટેરાઓને માન આપતા શીખ્યાં નથી. એમને કેવળ વાતોનાં વડાં જ કરતાં આવડે છે. એમને એમની જવાબદારીઓનું કંઈ જ ભાન હોતું નથી. એમનો વડીલો સાથેનો વ્યવહાર ઉદ્ધતાઈથી ભરેલો હોય છે. એમને કેવળ ખાણીપીણી અને ઉજવણીઓમાં જ રસ હોય છે. દરેક જુવાન એના માબાપ માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે.'
આજે સમય બદલાયો છે, પણ લાગે છે કે આજના યુવાનોને પણ આ વર્ણન એટલું જ લાગુ પાડી શકાય છે. સૈકાઓ પછી પરિસ્થિતિમાં કંઈ ખાસ ફેરફાર થયેલો જણાતો નથી. આજે પણ તરુણો અને યુવાનો એમના માબાપને તોબા પોકરાવતા જ હોય છે. જો કે સદીઓ અને વર્ષોના વીતવા છતાં યુવાનો ભલે ન બદલાયા હોય, એવા ને એવા જ રહ્યા હોય, એક વાત નક્કી છે કે લોકો જે દુનિયામાં રહે છે એ એવી ને એવી રહી નથી.
એમાં ઘણો બદલાવ આવ્યો છે.
તરુણ વયનાં સંતાન સાથે કંઈ વાધો પડે તો તરત જ આપણે આપાણા જૂના દિવસોને યાદ કરીએ છીએ. દરેક માબાપના મોઢે એક કથન તો અચૂક જ સાંભળવા મળે છે કે, 'અમે તમારી ઉંમરના હતા ત્યારે સાવ આવા નહોતા. અમારો જમાનો પણ તમારા કરતાં જૂદો હતો.' પણ હકીકત એ છે કે સમય આપણો જૂદો નહોતો, એમનો સમય બદલાયો છે. માબાપ તરીકે આપણે આપણા તરુણ અને યુવાન સંતાનોના સમયનું સાચું મૂલ્યાંકન કરતા નથી અને એમને ખોટેખોટો દોષ આપીએ છીએ. આજની પેઢી ઘણા પડકારોનો સામનો કરી રહી છે. જે સાનુકૂળતાઓ વચ્ચે ગઈ સદીના પચાસ, સાઠ અને સિતેરના દાયકાની પેઢીઓનો ઉછેર થયો છે. એ આજની નવી પેઢીના નસીબમાં નથી.
કુટુંબ જીવનનું બદલાયેલું કલેવર
અગાઉ આપણને સંયુકત કુટુંબની ભાવના અને છત્રછાયામાં ઊછેરવાનો મોકો મળેલો. આપણું કુટુંબજીવન હુંફાળું અને આત્મીયતાથી ભરેલું હતું. વારતહેવારોએ અને કૌટુંબિક પ્રસંગોએ આપણને સૌને મળવાનો અને એકઠા થવાનો મોકો મળતો. ત્યારનો વાહનવ્યવહાર આટલો સુગમ નહોતો. છતાં આપણા સંબંધીઓ એટલા નજીકના અંતરે રહેતા કે કૌટુંબિક મેળાવડાઓ ઘરમાં ભીડભાડ અને ધમાચકડીથી યાદગાર બની જતા. આપણા વડીલો સાચા અર્થમાં પ્રેમાળ હતા. દાદા કે દાદીની વહાલની બચીઓ આપણા ગાલમાં ગલગલિયાં પેદા કરતી. એક છત નીચે રહેનારું અને એક રસોડે જમનારું કુટુંબ તો વિશાળ હતું જ, ઉપરાંત મામા, માસી, કાકા, ફોઈ એ સઘળાં પણ આપણાથી ઘણે છેટે રહેતા હોવા છતાં એમની હૂંફનો આપણને સતત અનુભવ થતો. આપણુ આખેઆખું વેકેશન ઘણા રંગેચંગે મોસાળમાં વીતતું.
કમનસીબ આજે સંયુકત કુટુંબની ભાવના મરી પરવારી છે. કુટુંબમાં અંદરોઅંદરના સંબંધો પાંખા અને સ્પર્ધાત્મક બની ગયા છે. દાદાદાદી ખોવાઈ ગયા છે. વાહનવ્યવહારની અને સંદેશવ્યવહારની સુવિધાઓ જરૂર વધી છે, પણ લોકોની વચ્ચેનાં ભૌગોલિક અંતરો એટલાં બધાં વધી ગયાં છે કે કુટુંબના લગ્નપ્રસંગમાં ઘરે ઘરેથી માંડ એકાદ જણ જ હાજરી આપી શકે છે. પ્રસંગોની ઝાકઝમાળ અને તેના ખર્ચાઓ જરૂર વધ્યા છે. પણ તેમાં હાજરી આપનાર દરેક જણ માત્ર ઔપચારિકતા જ નિભાવતો હોય છે. સંબંધોમાંથી હૂંફ અને આત્મીયતા કયારનાય વિદાય લઈ ચૂકયા છે.
આજના માબાપને વિભકત કુટુંબમાં એકલા હાથે બાળક ઉછેરવું પડે છે. માતા પણ વ્યવસાયી બની ચૂકી છે. બાળકના ઉછેરના પડકારો વધ્યા છે, સામે પક્ષે માબાપને એમના બાળઉછેરના કામમાં વડીલોનું માર્ગદર્શન મળતું બંધ થઈ ગયું છે. પરિણામે આજની નવી પેઢીનો કૌટુંબિક અને સામાજિક આધાર તૂટી ગયો છે. એમને ટી.વી.નાં પાત્રોનો જેટલો પરિચય છે એટલો પોતાના પાડોશીઓનો રહ્યો નથી. સોસાયટી ક્લ્ચરના આજના સમયનું ડહાપણ એવું શીખવાડે છે કે કોઈએ કોઈના કામમાં માથું મારવું જોઈએ નહીં. પરિણામે તમારા કુટુંબની આપતિના સમયે તમારો પડખે આવીને ઊભો રહેતો નથી. કુટુંબને તોડી નાખનારી કોઈ સમસ્યા ખડી થાય તો પડોશીને એની ગંધ સુદ્ધાં આવતી નથી.
સોસાયટીઓનાં મોંઘાંદાટ મકાનોમાં પડોશીઓથી વિખૂટૂં પડેલું આપણું સંતાન ટી.વી અને નેટની સોશ્યલ સાઈટ્સનો સંગાથ શોધે એમાં કશી નવાઈ નથી. એ વાસ્તવિક સંબંધોને છોડીને કાલ્પનિક સંબંધોને રાચતું થઈ ગયું છે. પરિણામે સમાજશાસ્ત્રીઓના મતે આજે સુખસુવિધાઓ અને ભૌતિક સંપતિ જરૂર વધ્યા છે, પણ આજનો માનવી સંબંધોની દરિદ્રતા વચ્ચે જીવતો થયો છે. આજની યુવાન પેઢી માબાપ, કુટુંબીજનો, કૌટુંબિક પરંપરાઓ, સંસ્કૃતિ, શાળા, સંસ્થાઓ અને દુનિયાથી સાવ અલગ અને એકલી પડીને જીવતી થઈ ગઈ છે. એનો સામાજિક આધાર તૂટી ગયો છે. એના માબાપ એકલા પડી ગયા છે.
મમ્મી-પપ્પા એમની નોકરી વ્યવસાયમાં વ્યસ્ત છે. પડોશીઓ એમના માટે અજાણ્યા બની ચૂકયા છે. સગાંસંબંધીઓ સઘળા દૂર દૂર વસે છે. પરિણામે આજનો યુવાન મિત્રોની સંગતમાં વધારે સમય ગાળતો થયો છે. એ પોતાના સઘળા નિર્ણયો જાતે જ લેતો થઈ ગયો છે. ગર્લ ફ્રેન્ડ, ઘરનો બેડરૂમ, સેકસ, પપ્પાની કાર અને શરાબ એને હાથવગાં થઈ ગયાં છે. એ સારું કામ કરે કે ખરાબ, કોઈને એની ગંધ સરખી આવતી નથી. એનો સમય આપણા સમય કરતાં ઘણો બદલાઈ ચૂકયો છે !
બાળકો હવે પહેલાં જેવાં નિર્દોષ રહ્યાં નથી !
આપણે માહિતી વિસ્ફોટના સમયમાં જીવી રહ્યા છીએ. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ચકાચૌંધ વિકાસે આજની પેઢીને પર્સનલ કોમ્પ્યુટર, સેલફોન, ફેકસ મશીન, ઇમેલ અને ઇન્ટનેટની ભેટ ધરી છે. આપણા કરતાં આ પેઢી અનેકગણી સ્માર્ટ અને માહિતીપ્રચૂર બની ગઈ છે. ટી.વી.એ આખી દુનિયાને આપણા દિવાનખાનામાં આણી દીઘી છે. દુનિયાના ખૂણે ખૂણે બનતી ઘટનાઓને આજનો યુવાન કંઈક અજાયબ કુતૂહલથી જુએ છે. ટી.વી. ના કાર્યક્રમો વર્તન વ્યવહાર, સંસ્કૃતિ અને પરંપરાગત સંસ્કારોના સિમાડા ઓળંગી ચૂકયા છે.
આજે નૈતિકતાની વ્યાખ્યા અસ્પષ્ટ અને અસંબદ્ધ બની ગઈ છે. ટી.વી.માં આવતા કાર્યક્ર્મો જુઓ એટલે આજના જમાનાની તાસીર આપણા ધ્યાનમાં આવે ! એની ભાષા દ્વિઅર્થી અને ગલગલિયાં કરાવે તેવી હોય છે. બિભત્સતા, સેકસ, હિંસા, એડલ્ટથીમ, કૌટંબિક વિખવાદો, ક્ષણજીવી લગ્નસંબંધો, લગ્નેતર સંબંધો વગેરે સઘળા ટી.વી. કાર્યક્રમોમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. આપણાં સંતાનો આ બધું જુએ છે અને અપનાવે છે. એક જમાનો હતો કે જયારે ઘરનો વડીલ વર્ગ બાળકો અને કિશોરોનું દુનિયાની બુરાઈઓથી રક્ષણ કરતો.
બળાત્કાર, ચોરી, લૂંટફાટ, અપહરણ, આત્મહત્યા, બિભત્સ ઘટનાઓ, રાજકીય કૌભાંડો, સામૂહિક હત્યાઓ વગેરેના સમાચારો બાળકોના કાને ભૂલથી પણ પડવા દેવામાં આવતા નહી. બાળકો સુરક્ષિત અને તણાવમુકત મનોવિશ્વમાં જીવતાં. આજે હવે માબાપ પાસે એટલો સમય અને તકેદારી રહ્યા નથી. ટી.વી.ની ચેનલો અને છાપાંઓ નાના અમથા સમાચારોને વાતનું વતેસર કરીને પીરસતાં હોય છે. બાળકો આ બધું જુએ છે. બળાત્કાર, ખૂન, સામૂહિક હત્યાકાંડોના સમાચારોનો અતિરેક બાળમાનસને કેવો આઘાત આપી શકે છે. એની કોઈ ચિંતા કરતું નથી
ટી.વી.ની દ્રશ્ય-શ્રાવ્ય અસર બાળકને પ્રત્યેક દુર્ઘટનાનો સાક્ષી બનાવી દે છે. એને એવું લાગે છે કે જાણે આ સઘળું એની સાથે જ અથવા એની આસપાસ બની ચૂકયું છે અથવા બની રહ્યું છે ! જે ઘટનાઓને એ જુએ છે એનો એ પોતાને શિકાર થતો કલ્પે છે. પરિણામે એ તાણમાં જીવતું થઈ જાય છે એની આપણને પરવા સરખી નથી. સમાચારોનો આટઆટલો અતિરેક ન હોય ! પણ આપણે બધાં આચારસંહિતા ખોઈને જીવીએ છીએ. એની માઠી અસર આજની પેઢીને ભોગવવી પડે છે. આવા સમયમાં અને જગતમાં બાળકો નિર્દોષ શી રીતે રહી શકે ? કેમ કે એમની દુનિયા બદલાઈ ચૂકી છે.
બાળકો જેમને પોતાના આદર્શ બનાવી શકે એવાં પાત્રો જાહેરજીવનમાંથી વિદાય લઈ ચૂકયાં છે
ગાંધીજીએ વિદાય લીધી પછીના લગભગ ત્રણેક દસકા સુધી આપણો દેશ આદર્શ નેતાગીરી, ઉતમ ચારિત્ર્યવાન મહાપુરુષો, લેખકો, સંગીતકારો, ગાયકો, ખેલાડીઓ, શિક્ષકો, જનસેવકો, સેવા અને આદર્શના ભેખધારીઓ અને સંસ્થાઓથી છલકાતો હતો. આજે હવે સમય બદલાયો છે. કોઈપણ ક્ષેત્રમાં નજર માંડીએ તો અનુસરવાનું મન થાય તેવાં પાત્રો જોવા મળતા નથી. મૂલ્યો અને નીતિમતાનું સંપૂર્ણ ધોવાણ થઈ ચૂકયું છે.
દરરોજ એક રાજકીય કૌભાંડ બહાર આવી રહ્યું છે. આપણી નેતાગીરી વામણી બની ગઈ છે. બાળકો અને યુવાનો પોતાનું રોલ મોડેલ બનાવી શકે એવું એકે ચરિત્ર જાહેર જીવનમાં દેખાતું નથી. વિશ્વભરમાં ચારિત્ર્યની આ દરિદ્રતા સર્વવ્યાપક બની ગઈ છે.
જોકે બધું જ સાવ નિરાશાજનક છે એવું પણ નથી. આજે મેડિસિન, વિજ્ઞાન, શિક્ષણ, કોમ્યુનિકેશન, પર્યાવરણ સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ વગેરેમાં થયેલી પ્રગતિએ માનવીના જીવનની ગુણવતાને ઊંચી જરૂર આણી છે. જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે. દરેક પરિવર્તન ક્ષણજીવી નીવડી રહ્યું છે. એક કે બે પેઢી પહેલા જમાનો ધીમી ગતિએ બદલાતો. આજે પરિવર્તનની ગતિ અણધારેલી તેજ બની ગઈ છે. આજની પેઢી માટે હવે એક નવો પડકાર પેદા થયો છે. એણે બદલાતા જતા જમાના સાથે સતત તાલ મેળવીને જીવવાનું છે. એ આ પડકારને પહોંચી પણ વળે છે. આપણે આપણા સમયમાં આવો ઝડપી બદલાવ જોયો નથી. પરિણામે યુવાનોની જીવવાની તરાહને રોજેરોજ બદલાતી જોઈને આપણે અસલામતી અને તાણ અનુભવતા થઈ ગયા છીએ.
માબાપનું કર્તવ્ય શું છે ?
આપણે આપણી જાતને બે ઘડી એમની દુનિયામાં મૂકી જોઈએ. તમે જો એમના જેવડા હો અને એમના જેવા સમયમાં જીવી રહ્યા હો તો કેવાં કપડાં પહેરવાનું પસંદ કરશો ? કેવા ટી.વી. કાર્યક્રમ જોશો ? કેવું સંગીત સાંભળશો ? કેવા તાલે નાચશો ? કેવી પ્રવૃતિઓમાં ભાગ લેશો ? તમારો ફાજલ સમય શી રીતે પસાર કરશો ? આ પ્રશ્નનોના ઉતર આપણને આપણા તરુણ વયનાં સંતાનોના વર્તન વ્યવહાર સમજવામાં સહાયકારી થઈ શકે છે. એમની ટીકા કરતા પહેલાં આપણે એમના ભાવવિશ્વની કલ્પના કરવી જોઈએ અને એમની જગ્યાએ આપણી જાતને ગોઠવી જોવી જોઈએ.
હકારાત્મક વલણ અપનાવીએ
જૂની પેઢીના લોકોને નવી દુનિયાના ફેરફારોને અપનાવવામાં તકલીફ પડતી હોય છે. એમને એમ જ લાગે છે કે સમય વીતે છે એમ દુનિયા બગડતી જાય છે અને એમનો જૂનો સમય અત્યારના સમય કરતાં વધારે સારો હતો. એમને મન સેલફોન, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાવ નકામાં છે. એ સી.ડી પ્લેયરને અપનાવી શકતા નથી. એમને મન જૂનું એટલું સોનું લાગે છે. પણ આ વલણ બરાબર નથી. પરિવર્તનને સ્વીકારીએ એમાં જ આપણું વડપણ છે. નવી ચીજો અને નવાં મૂલ્યોને અપનાવવાની આનાકાની કરવાથી આપણે બે પેઢી વચ્ચેનું અંતર વધારી મૂકીએ છીએ. આમ કરવાથી આપણે જૂનવાણીમાં ખપી જઈએ છીએ, આપણાં યુવાન સંતાનોના હ્યદયથી નાતો તોડી બેસીએ છીએ. આપણે આજના સમયના સંગીતને વખાણીએ ભલે નહીં, પણ એને માણીએ જરૂર.
આપણે એમની સાથે બેસીને મોબાઈલ અને ટેબલેટની ખૂબીને માણવી જોઈએ. આપણે નવાં ચલચિત્રોની ટેકનોલોજીની કમાલ જોવી જોઈએ. જિંદગીની ધારા કદી અટકતી નથી, તેમ જમાનો એક જગ્યાએ સ્થગિત રહી શકતો નથી. જે વ્યકિત જિંદગીની પ્રવાહિતાને સ્વીકારે છે એ ફેરફારોને આસાનીથી અપનાવી લે છે.
ભૂતકાળમાં રાચવાનું છોડીએ
આપણે વર્તમાનમાં જીવવું જોઈએ. સમયની ઘડિયાળના કાંટાને ફેરવીને જૂના વખતને, તે ગમે તેટલો ઉતમ હોય તો પણ પાછો લાવી શકાતો નથી. ખરેખર તટસ્થ દ્રષ્ટિથી મૂલ્યાંકન કરીએ તો સિતેર અને એંસીના દાયકા કરતાં આપણે અત્યારે વધારે સારા સમયમાં જીવી રહ્યા છીએ. 'હું તારી ઉંમરનો હતો ત્યારે…' આ વિધાનનો તકિયા કલમ તરીકે વારંવાર ઉપયોગ કરવો નકામો છે. આ વાકય એમના મતે અર્થ વગરનું છે, કેમ કે વાસ્તવમાં આપણે કદી એમની ઉંમરના હતા જ નહીં. આપણાં સંતાનોને જીવવું પડે છે એવા કપરા સમયમાં આપણે કદી જીવ્યા નથી, કે જીવી શકીએ પણ નહીં. સંજોગો અને વસ્તુસ્થિતિ સતત બદલાતા રહ્યા છે. દરેક પેઢી એના પોતાના સમયનો પડકાર ઝીલતી જ હોય છે. એને પહેલાંનો સમય કે એની ખાસિયતો યાદ કરાવવાથી ભૂતકાળની મહતા સ્થાપી શકાતી નથી. જો પડકાર ફેંકવામાં આવે તો આપણી પેઢી આજના નવા યુગના પરિવર્તનનો અને પડકરોનો સામનો કરવામાં જરૂર નિષ્ફળ જાય !
એમની ટીકા કરવાનું વલણ છોડીએ
ખાસ કરીને જે બાબતો પર આપણાં સંતાનોનું કોઈ નિયંત્રણ કે બંધારણ ચાલતું નથી તે બાબતમાં એમની ટીકા કરવાની કુટેવથી આપણે વેળાસર છુટકારો મેળવવો જોઈએ. એમનો સમય બદલાય ગયો છે અને આપણા સમય કરતાં જુદો જ છે એ બાબતમાં એ લોકો શું કરી શકે ? 'તમારાં કપડાંમાં કંઈ ભલીવાર નથી. આવાં કપડાં તે કંઈ પહેરાય ? ફેશનના નામે તમારી પેઢી સાવ દાટ વાળવા બેઠી છે. તમારું સંગીત સાવ ઢંગધડા વગરનું છે; એ સાંભળીને તો મારા કાન જ પાકી જાય છે ! ટી.વી.માં ટીનેજરોના કાર્યક્ર્મોમાં કોલેજોનું જે વાતાવરણ બતાવે છે એ જોઈને તો એમ થાય કે તમે લોકો ભણવા જાવ છો કે પછી પ્રેમલા-પ્રેમલી કરવા ? અમારા વખતમાં આવું બધું ચાલતું નહી.' આવી આવી કાગારોળનો કંઈ જ અર્થ સરતો નથી.
આજની દુનિયા કંઈ એમણે પોતાની પસંદગીથી બનાવેલી નથી. એમને એ એમની અનિચ્છાએ વારસામાં મળેલી છે. શકયતા એ છે કે જો આપણે આજે એમની ઉંમરના હોત તો આપણે પણ આવાં જ ઢંગધડા વગરનાં કપડાં પહેરતા હોત, આવી જ ફેશનો કરતા હોત, આવાં જ ગીતો સાંભળતા હોત, ને આવા જ નખરા કરતા હોત !
પરિવર્તનનો સ્વીકાર કરીએ
નવા સમયની માંગ એ છે કે જે કામ આપણા માતાપિતાએ આપણી બાબતમાં નહીં કરેલું તે આપણે આપણાં સંતાનો બાબતમાં કરવાની જરૂર છે. આપણા માબાપ આપણી સાથે ચર્ચા-વિચારણા કદી કરતા નહીં. આપણને માત્ર એમની આજ્ઞાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવતો. આજની પેઢી સાથે આ વલણ કામ આવી શકે નહીં. અત્યારના માહિતીપ્રચૂર અને વિપુલતાના સમયમાં આપણે એમની સાથે પુષ્કળ સંવાદ કરવો જોઈએ. ખાસ કરીને જાતીયતાના મુદ્દા બાબતમાં આપણે આપણો સંકોચ છોડીને એમની સાથે મુકત ચર્ચા કરવી જોઈએ.
દરેક બાબતમાં નૈતિકતાને વચ્ચે લાવવાની આપણી પરંપરાગત આદતને આપણે હવે છોડવાની જરૂર છે. નવી પેઢી મૂલ્યો અને નૈતિકતાના ખ્યાલોને સદંતર બદલી ચૂકી છે. આપણે એમની સાથે એ બાબતમાં તાલ મેળવવાની આવશ્કયતા છે. આપણને આપણા માતાપિતાનો અલાયદો સમય મળ્યો હોય એવું યાદ નથી. એ સમયમાં દરેક બાળક સંયુકત કુટુંબમાં પડતું-આખડતું મોટું થઈ જતું. આજે બાળઉછેર સમય અને શકિત માગી લેતી જવાબદારી છે.
માબાપ બાળકને દરરોજ નિયમિત રીતે ગુણવતાનો સમય ફાળવે એ અપેક્ષિત છે. પહેલાંના સમયમાં બાળકોના અલગ અસ્તિત્વનો સ્વીકાર થતો નહી, કે એમને કુટુંબમાં આદર મળતો નહીં. આજે સમય બદલાયો છે. હવે બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થવા લાગ્યો છે. આ સંજોગોમાં માબાપની જવાબદારી અને તેમનું કર્તવ્ય વધારે સભાનતા માગી લે છે.
સમાજ જીવનમાં આવી રહેલા ફેરફારોથી આપણે ચિંતિત થવાની જરૂર નથી. આ ફેરફારોથી આપણા માટે ભય અને અસલામતી પેદા કરે છે, તેમ નવી તકો પણ ઊભી કરે છે. સમયની સાથે આપણે તાલ મેળવીને ચાલવું જોઈએ. આજે માબાપ એમનાં સંતાનો પ્રત્યે પ્રેમની અને સ્વીકારની લાગણી મુકત રીતે વ્યકત કરી શકે છે. માબાપ અને બાળકો એકમેકની વધારે નજીક આવ્યાં છે.
આપણાં તરુણ સંતાનોનો સમય બદલાયો છે એની આપણે નોંધ લઈએ !

No comments:

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...