Monday, June 11, 2012

Jamnagar nu Jivan ane Jaman

દિલ્હી વાળા દુખી,
વાપી વાળા પાપી,
મુંબઈ વાળા મામુ.
ગોવા વાળા ગાંડા,
વલસાડ વાળા વાસી,
પારકા પૈસા ખાઈ ને જામનગર વાળા સુખી..........!!!• •

ગુજરાતના એક ખૂણામાં પડી જવાને કારણે જામનગર એના સગા ભાઇ સમા રાજકોટ જેવું પૈસેટકે સમૃદ્ધ નહિ બન્યું હોય, પણ રજવાડી શહેરની શાન-ઓ-શૌકત હજી જામનગરમાં બરકરાર છે, જે રાજકોટે ગૂમાવી દીધી છે.
શહેરનું ચક્કર મારવા નીકળ્યા હો, તો એક ગાળ બેશક સાંભળવા મળશે ‘‘નવરીના’’,
એટલે સીધી ક્રિયાપદની ગાળો ય નવી નોટોની માફક ચલણમાં મૂકાઇ છે, ‘‘હવે હાલતીનો થા...’’ ...‘‘જરા ઊભીનો ’રે, ને...!!’’
બાકી અફ કોર્સ, તમારે સ્વીકારવું તો પડે જ કે, દુનિયાભરમાં જામનગર જેવી મીઠી ભાષા.. ફક્ત જામનગરીઓ પાસે જ સાંભળવા મળે. ‘‘અમે તો ‘કે ’દિના તમારી રાહું જોતા’તા, ભાઆ... ય, પણ તમે નો આઇવા.’’ (‘નો આઇવા’ એ તો ફક્ત મનગમતા માણસો માટે, બાકીનાને ‘તમે નો ગુડાણા...’’ એમ કહેવાય. આવા મહાનુભાવો માટે, ‘પાણી પીઘું’ ને બદલે ‘ઢીંચ્યુ’ જમવાને બદલે ‘ગળચ્યું’ બોલાય.

જામનગરમાં કોઇને ઘેર મેહમાન થયેલો માણસ ભૂખ્યો પાછો ન જાય. બાકીના ગુજરાતમાં બરણીવાળો ગયા શુક્રવારવાળો નાસ્તો ખવડાવીને મેહમાનોને પતાવી દે. જામનગરવાળા જમાડીને મોકલે. ન જમો તો કદાચ મારે ય ખરા. કટાણે ગયા હો તો ગરમાગરમ પાટા (આપણી ભાષામાં પેલા લાંબા ‘ફાફડા’) હોય. અડઘું જામનગર રોજ સવારે ભૂલ્યા વગર ગરમ ગાંઠીયા અને પાટા ખાઇ ખાઇને મોટું થયું છે. જામનગરમાં કોઇ માંદુ પડે, તો બ્લડને બદલે ગાંઠીયાના બાટલા ચડાવવાનો દસ્તુર છે. લારીને આ લોકો રેંકડી કહે છે. પાણી-પુરીની શોખિન પ્રજા પહેલા પૂછી લે છે, ‘‘દસ રૂપિયે મેં કિતની દોગે?’’ પેલો કહે ‘‘આઠ’’. એ પછી અમારો જામનગરી ધરાઇ ધરાઇને ૬૦-૭૦ પકોડીઓ ધરબી ગયો હોય ને પછી ભૈયાને અટકાવીને કહે,‘‘ભૈયાજી, દસ રૂપિયે કી હો જાયે, તો બોલ દેના"...!!
હમણાં હમણાંથી જો કે, રીલાયન્સ અને એસ્સાર આવ્યા પછી અહીંના લોકોના ખિસ્સામાં ય જોર વઘ્યું છે અને દોઢસો રૂપિયાની પંજાબી સબ્જી આપતી મોટી હોટલોમાં જતી થઇ છે... એ વાત જુદી છે કે, વૈભવ નવો નવો અને આદતો જૂની જૂની હોવાથી હજી મોટી હૉટેલમાં ગયા પછી, ‘‘ઓ ભા’આ..ય.. જરી બે ગાંઠીયા વધારે તો નાંખો.. ’’ બોલાઇ જાય છે.
એક જમાનામાં જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું. આજે રીલાયન્સ કે ેએસ્સારને કારણે સુંદરતામાં જરી આધુંપાછું થયું હશે, પણ જામનગર ફ્‌ક્ત એની સુંદરતા ઉપર જ મુસ્તાક નથી. અહીંના લોકોનું કલ્ચર. લાઇફ-સ્ટાઇલ કે મોજીલો સ્વભાવ... ઉપરાંત ખૂબ જ વહાલા લાગે તેવા જૂનાં રસ્તાઓ, શેરી અને ફળીઓ, પાનવાળાઓ, અમારો લાખોટો, અમારૂં ગ્રેઇન માર્કેટ ને અમારા બેડીનું નાકું.. ભાઇભાઇભાઇ...
અહીંની મેડિકલ કૉલેજમાં ભણીને ડૉકટર થયેલા કોઇ સેંકડો નથી, હજારો છે. દુનિયાભરમાં એ લોકોએ જામનગરનું જ નહિ, ભારતનું પણ નામ રોશન કર્યું છે. જામનગરનું એક દિવસનું અનાજ ખાઇ જનાર કદી ૠણ ચુકવવાનું ન ભૂલે, એવી અહીંની ભૂમિ છે. અહીં ભણી ગયેલા ડૉકટરો ક્યારેક પેશન્ટસની બાકી ફી ભૂલી જાય છે, પણ જામનગરને કોઇ ભૂલ્યું નથી
- અશોક દવે

નગર જામની મજા અનેરી,
અસર ફરો તો થશે ઘનેરી,
રક્ષાની પાંખો ત્રણેનો લાભ શહેરને મળતો,
અહીં આવી અંબાણીએ ઉદ્યોગ કર્યો ધમધમતો,
વખણાંય અહીંનાં સુરમો, કંકુ, કાજળ બહુ,
પહેરે અહીંની બાંધણી ભાભી, નણંદ ને સાસુ વહુ,
શિક્ષા તબિબિ અહીં ઊંચેરી,
નગર જામની મજા અનેરી,
જામનગરની ઓળખ બીજી કાશી છોટું,
શાનો–શૌકત આ શહેરની છે લાખોટું,
એવું નહીં કે લોક ફ્કત વેપાર કરી જ જાણે,
દુનિયા વિનુ, રણજીની રમત હજુય વખાણે,
શાન શહેરની આમ કુબેરી,
નગર જામની મજા અનેરી,
સોનાપુરી સુંદર એવું, મરણ ઉત્સવ લાગે,
જગતભરમાં દ્વારિકાની દુંદુભિઓ વાગે,
તળાવ કાંઠે રાત દિવસ છે રામનામ નો નારો,
કહે જામસાહેબ કોઇ તો જામનગર સંભારો,
હાલારીના હાડહાડમાં દિલેરી,
નગર જામની મજા અનેરી
અસર ફરો તો થશે ઘનેરી,
-Kishan Radia
Hit The Like If You Are Jamnagari

No comments:

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...